જાણો કઈ ત્રણ વસ્તુઓને ભગવાન શ્રીકૃષ્ણએ કીધી છે નર્ક સમાન...

જાણો કઈ ત્રણ વસ્તુઓને ભગવાન શ્રીકૃષ્ણએ કીધી છે નર્ક સમાન...

ભગવાન શ્રીકૃષ્ણ પોતે ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર હતા. તેમણે તે સમયે ફેલાયેલા અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લીધો હતો. તેમણે અનેક રાક્ષસોનો વધ કર્યો ઉપરાંત ધર્મની પૂર્ણતઃ સ્થાપના કરવા માટે મહાભારત જેવા મોટા યુધ્ધમાં  ભાગ લઇ પોતાની સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ યુદ્ધમાં પાંડવોનો વિજય અતિ અનિવાર્ય હતો તેથી તેમણે તેમના મિત્ર અને પરમ ભક્ત એવા અર્જુનને યુદ્ધમાં ઘણી સહાયતા કરી હતી. તેઓ અર્જુનના સારથી બન્યા હતા. પરંતુ આ યુદ્ધમાં અર્જુન તેના પરિવારજનો વિરુદ્ધ યુધ્ધ કરતો હોવાથી તે આ યુદ્ધ કરવા માંગતો ન હતો. 

આથી અર્જુનને સત્યતા અને પોતાના કર્મોનું ભાન કરાવા તેમણે અર્જુનને યુધ્ધના આરંભ પહેલા "ભગવત ગીતા' કહી હતી. આ ભગવત ગીતામાં તેમણે અર્જુનના અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા તેમજ માનવજાતને જીવન જીવવાનો યોગ્ય માર્ગ બતાવ્યો હતો.


કૃષ્ણ



આ ત્રણ વસ્તુને શ્રીકૃષ્ણ નર્ક સમાન ગણાવે છે...

ભગવત ગીતાના અધ્યાય ૧૬ (દૈવાસુર સંપદા વિભાગ યોગ) ના ૨૧ માં શ્લોકમાં નર્ક સમાન ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



             त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन: |
             काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् || 

એનો અર્થ આ મુજબ છે,

કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નર્કના દરવાજા છે અને આત્માનો વિનાશ કરનારા છે આથી આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ.

૧) કામ 

કામ એ મનુષ્યનો ખુબ મોટો શત્રુ છે. અહીં કામનો અર્થ ફક્ત કામુકતાથી નથી. હા એનો એક અર્થ કામુકતા હોઈ શકે પણ સામાન્ય અર્થમાં કામનો અર્થ ઈચ્છાઓથી છે. આપણે કોઈ અત્યંત મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોઈએ અને જો આપણો મિત્ર પાર્ટી કરવા બોલાવે અને આપણા મનમાં જે ઈચ્છા ઉદ્ભવે છે એવી ઈચ્છાઓને શ્રીકૃષ્ણ નર્ક સમાન ગણાવે છે.

આપણે આવી કોઈ ઈચ્છાથી મન વિચલિત કરવું ન જોઈએ. કામનો એક અર્થ કામુકતા પણ થાય છે. વ્યક્તિ તેના જીવનમાં કામુકતા સંતોષવા અમુક એવા નિર્ણયો લઈ લેતા હોય છે જેથી તેને પછીથી પસ્તાવું પડે છે. કામુકતાનું સુખ ફક્ત થોડી ક્ષણો માટે હોય છે પરંતુ તેને સંતોષવા જે નિર્ણયો લીધા છે તેનું દુખ સમસ્ત જીવનભર ભોગવવું પડી શકે છે.

આથી બિનજરૂરી કામનાઓનો ત્યાગ કરી પોતાના લક્ષ્યથી ભટકવું ના જોઈએ.

૨) ક્રોધ

ક્રોધને તો મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે. કારણ કે ક્રોધના સમયમાં વ્યક્તિ પોતાના મગજ પરથી સંપૂર્ણ કાબુ ગુમાવી બેસે છે અને કઈક એવું કરી બેસે છે જેના કારણે તેને પસ્તાવું પડે છે. નાના નાના ઝગડા જેનો ઉકેલ  વાતચીતથી આવી શકે છે એવા ઝગડાઓ ગુસ્સો કરવાથી રૌદ્ર સ્વરૂપ લે છે.

વિજ્ઞાન મુજબ ગુસ્સો કરવાથી સામેવાળી વ્યક્તિ કે જેના પર ગુસ્સો કરવામાં આવી રહ્યો છે એના કરતા ગુસ્સો કરનારના શરીર પર વધુ હાનિકારક અસર થાય છે. દુનિયાભરની જેલો એવા કેદીઓથી ભરેલી છે જેમને માત્ર ક્ષણભરના ગુસ્સામાં એવા નિર્ણય કીધા જેનો દંડ તેમણે પોતાની આખી જીંદગી આપી ચૂકવવો પડી રહ્યો છે.

આથી ભગવાન શ્રીકૃષ્ણ આવા વેરીથી દુર રહેવાનું અને તેનો ત્યાગ કરવાનું જણાવે છે.

anger



૩) લોભ 

લોભ માણસ આર્થિક રીતે આગળ વધવા કરે છે અને હોય તેના કરતા વધારે  પાયમાલ થઇ જાય છે. આજે ઈન્ટરનેટ પર થતા લાખો અને કરોડો રૂપિયાના કૌભાંડ એ લોકોના લોભનું જ પરિણામ છે. લોકો વગર મહેનતે અને ખુબ ઓછા સમયમાં ધન કમાવા માંગે છે અને એના ચક્કરમાં વિવિધ જાળમાં ફસાઈ જાય છે.

કોઈપણ વ્યક્તિએ અને ખાસ કરીને ઘરના મુખ્ય માણસે તો લોભથી કોસો દુર રહેવું જોઈએ નહિ તો તેના મૂર્ખાઈ ભર્યા નિર્ણયનું પરિણામ તેના સમગ્ર પરિવારે ભોગવવું પડે છે.


આમ ભગવાન શ્રીકૃષ્ણના માટે આ ત્રણેયને નર્કના દરવાજા ગણી તેનાથી દુર રહેવું જોઈએ.

Post a Comment

0 Comments